ચિરાગ રાજવંશ(ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા સારંગપુર ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચુના ઇતિહાસ સાથે છેડછાડ કરવા બાબતે જવાબ.

મુ.રાજુભાઈ સોલંકી
આપનો લેખ વાંચ્યો આપ સારા લેખક છો જ પણ જ્યારે દલિત પેંથર નો ઇતિહાસ તમે લખો છો ત્યારે જાણે અજાણે પણ તમારા માં રહેલી રાગદ્વેષ વાળી વૃત્તિ અવશ્ય રજૂ થાય છે...દલિત પેંથર ના કામો નો ઇતિહાસ
માં.ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ મુ.વાલજીભાઈ પટેલ સાહેબ મુ.નારણ વોરા સાહેબ અને એવા દલિત પેંથર ના  નામી અનામી અસંખ્ય અમારા જેવા કાર્યકર્તાઓ નું યોગદાન દલિત અત્યાચાર હોય કે બાબાસાહેબ ની પ્રતિમા મુકવા માટે નો સંઘર્ષ હોય..(તમે એ સંઘર્ષ માં હતા કે નહીં એ પણ એક ચર્ચા નો વિષય તો છેજ.)..એ ઇતિહાસ માં ડો.રમેશચંદ્ર પરમાર નું નામ તમે લખો ના લખો એનાથી એમની પ્રતિભાને કોઈ નીચી કરી શકે તેમ નથી આ ત્રિપુટી ની કક્ષા ને  કારણ આ સંઘર્ષ ના સાક્ષી ઓ અને આ નેતૃત્વ ના હાથ નીચે તૈયાર થયેલા કાર્યકર્તાઓ નું તમારા આવા વલણ થી અપમાન થાય છે..એ પણ આપે સોચવું જોઈએ..
તમારામાં મને હિન્દુત્વ ના ઠેકેદારો એ જેમ ભારત માં બુદ્ધ ના ઇતિહાસ ને બદલવા નું કામ કર્યું એવી ઇતિહાસ બદલવાની વૃત્તિ તમારા લખાણમાં નજરે ચઢે છે.
ખરેખર તો કોઈ રાગદ્વેષ વગર સાચો ઇતિહાસ લખવા નું કામ કરવાના બદલે ઇતિહાસ ના પાના ને છુપાવી પાછળ ની પેઢી ને ગુમરાહ કરવાનું કામ કરવું એ નિંદનીય છે ક્યારેક સાચી વાત પાછળની પેઢી સત્ય જાણે ત્યારે ખોટા ઇતિહાસ લખનારની હાલત શુ થાય એ જાણવા પણ ભારત નો ઇતિહાસ જોવો જરૂરી છે.

અમદાવાદ નું બાબાસાહેબ ની પ્રતિમા..
એ પ્રતિમા એ આજે જે સર્કલ બન્યું છે તે સંઘર્ષ નો ઇતિહાસ
ગાંધીનગર માં બાબાસાહેબ ની પ્રતિમા મુકવામાં દલિત આગેવાનો કાર્યકરો નો સંઘર્ષ તથા દલિત અત્યાચારો માં દલિત પેંથર ના આગેવાનો કાર્યકરો ની ભૂમિકા એમાં ડો રમેશચંદ્ર પરમારની મુ વલજીભાઈ ની કે મુ નારણ વોરા સાહેબ ની ભૂમિકા ..બધાના નામ લખ્યા નથી એનો એ અર્થ ના લેવો કે કોઈ એકનું યોગદાન હશે...અમે પણ પેંથર ના બેનર નીચે જ આ બધા સંઘર્ષ માં હતા...જ..પણ કાર્યકર તરીકે..અમારા નેતાઓ તો હતાજ
કદાચ માનનીય વાલજી ભાઈ વાંચશે તમારો ઇતિહાસ તો દુઃખ થશે..
એટલે સંઘર્ષ ના ઇતિહાસ બદલવાની ને નવા ઇતિહાસ પોતાની રીતે લખવાની પ્રવુતિ આપ છોડો..અને નવા ઇતિહાસ રચવા ના કામને લક્ષ્ય બનાવો એવી વિનંતી....કારણ કે સાચા ઇતિહાસ ના ઘણા બધા સાક્ષીઓ હજુ છે જ અને દસ્તાવેજી પુરાવાઓ પણ ઉપલબ્ધ છે

આ પોસ્ટ આપની પ્રતિભા ને ઝાંખી કરવા માટે નથી એ પણ ધ્યાને લેશો..કારણ આપ પણ  બૌદ્ધિક છો. અને એવો બીજાની પ્રતિભા ઝાંખી કરવાના પ્રયાસ કરવામાં હું માનતો નથી..
આપનો...જ
ચિરાગ રાજવંશ
પ્રમુખ ભારતીય દલિત પેંથર
ગુજરાત પ્રદેશ...

All India President
All India Postal SC/ST Employees welfare Association 

રાજુભાઇ સોલંકી ની નીચે લખેલી પોસ્ટ નો જવાબ
_________________________

અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાનો રોમાંચક ઇતિહાસ

અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અમદાવાદ શહેરનો મુગટમણિ છે. Tvસમગ્ર વિશ્વના લોકો આ પ્રતિમાથી અમદાવાદને ઓળખે છે. 14મી એપ્રિલે અહીં લાખો લોકો આ દેશના બહુજન સમાજના ઉત્થાનમાં એક મહામાનવે આપેલા અભૂતપૂર્વ, ઐતિહાસિક યોગદાનને અંજલી આપવા સ્વયંભૂ એકઠા થાય છે. બાબાસાહેબની આ પ્રતિમા અહીં કઈ રીતે, કેવા સંજોગોમાં મુકવામાં આવી એનો રોમાંચક, ગૌરવશાળી ઇતિહાસ આજની પેઢીને ખબર જ નથી. 

બાબાસાહેબની પ્રતિમા જ્યારે અમદાવાદમાં પ્રસ્થાપિત થઈ તે વખતે દેશમાં પ્રચંડ રાજકીય આંધી ફૂંકાઈ હતી. 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદેલી. આ કટોકટી બે વર્ષ ચાલેલી. શ્રીમતી ગાંધીએ વિરોધ પક્ષોનાા તમામ નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. 1977માં સીન્ડીકેટના નામથી ઓળખાયેલી કોંગ્રેસ (ઓ), ભાજપના પૂર્વાવતાર ભારતીય જનસંઘ તથા ભારતીય લોકદળે મળીને જનતા પક્ષની રચના કરી અને મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવ્યા હતા. 

આ જ સમયે મહારાષ્ટ્રમાં રીપબ્લિકન પક્ષના કોંગ્રેસ સાથેના મેળાપીપણા સામે બૌદ્ધ (રીપીટ બૌદ્ધ) યુવાનોમાં પ્રચંડ આક્રોશ ઉમટી રહેલો અને એમના આક્રોશે દલિત પેંથર્સ નામના સંગઠનનું સ્વરુપ ધારણ કરવા માંડેલું. પેથરોએ ઇન્દિરા ગાંધીની કટોકટીનો ખુલ્લેઆમ વિરોધ કરેલો અને ગુજરાતમાં પણ દલિત પેંથરની એ જ ભૂમિકા રહેલી. કટોકટીના વિરોધમાં ગુજરાતભરમાં થઈ રહેલા વિરોધને સમર્થન આપવાના કારણે દલિત પેંથર્સના બે દિગ્ગજ નેતાઓ માન્ય. નારણ વોરા અને માન્ય. વાલજીભાઈ પટેલ બ્રહ્મકુમાર ભટ્ટ જેવા રાજકીય નેતાઓ તથા ઇશ્વર પેટલીકર જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવેલા. 

એ જ અરસામાં બાબાસાહેબના ધર્મપત્ની સવિતાજી જેમને બહુજનો માઈસાહેબના હૂલામણા નામથી ઓળખતા હતા, તેમણે પેંથર્સના બન્ને નેતાઓને મુંબઈમાં બનેલી બાબાસાહેબની એક વિરાટ, ભવ્ય પ્રતિમા વિષે જાણ કરેલી. બંને નેતાઓને આ પ્રતિમા અનહદ ગમી ગઈ હતી. એટલે જ્યારે અમદાવાદમાં યોજાનારા જનતા પાર્ટીના અધિવેશનનો વિરોધ કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું ત્યારે લાગ જોઇને માન્ય. વાલજીભાઈ પટેલે બ્રહ્મકુમાર ભટ્ટ અને ઇશ્વર પેટલીકરને મુંબઈમાં બનેલી બાબાસાહેબની પ્રતિમા અમદાવાદમાં સ્થાપિત કરવા મનાવી લીધા હતા. 

બ્રહ્મકુમાર ભટ્ટ તરફથી લીલી ઝંડી મળતા બંને પેંથર્સ નેતાઓ મુંબઈ ગયા અને માઇસાહેબને મળીને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હતા જયેન્દ્ર પંડિત અને કમિશનર હતા અંકલેશ્વરીયા. માઇસાહેબે કમિશનરને ટેલીગ્રામ કર્યો અને જણાવ્યું કે બાબાસાહેબની આ પ્રતિમા નવીનક્કોર છે અને તેની કિંમત રુ. 80,000 છે અને આ કોઈ રીજેક્ટેડ માલ નથી. (કેમ કે એ વખતે કેટલાક અસંતુષ્ટ તત્વોએ એવી અફવા ઉડાડેલી કે મુંબઈનો રીજેક્ટેડ માલ અમદાવાદમાં આવી રહ્યો છે). આ ટેલીગ્રામની કોપી માન્ય, વાલજીભાઈ પટેલ પાસે આજ પણ સચવાયેલી છે. 

પછી બન્યું એવું કે અમદાવાદમાં બાબાસાહેબની આ પ્રતિમા આવી તો ગઈ, પરંતુ જનતા પાર્ટીનું અધિવેશન પૂરું થઈ ગયેલું અને કોઇએ પ્રતિમાના સ્થાપનમાં રસ દાખવ્યો નહીં, એટલે છ મહિના સુધી આ પ્રતિમા વાલજીદાદાના દરિયાપુર, ફુટી મસ્જિદ પાસે આવેલા નિવાસસ્થાને અનાવરણ થયા વિનાની હાલતમાં પડી રહી. છ મહિના પછી વડાપ્રધાન મોરારજી દેસાઈના હસ્તે આ પ્રતિમાનું ઉદ્ઘાટન થયું. 

તો મિત્રો, આવો છે ઇતિહાસ આ ગૌરવવંતી પ્રતિમાનો. આ ઇતિહાસ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી. આ લખનાર રાજુ સોલંકીએ માન્ય. વાલજીભાઈ પટેલ સાથે તા. છ મે, 2021ના રોજ 16.55 મિનિટ કરેલા ટેલિફોનિક વાર્તાલાપમાં તેમણે આ ઇતિહાસ જણાવ્યો હતો, જેને મેં અહીં ભાવિ પેઢીની જાણ સારું શબ્દબદ્ધ કર્યો છે. આ ઓડીયો ક્લિપની કોપી બે મિત્રોને મેં સાચવવા આપી રાખી છે. આવો મહાન ઇતિહાસ રચનારા વાલજીભાઈ પટેલ અને દિવંગત નારણ વોરાને આપણે કઈ રીતે ભૂલી શકીશું?

(તસવીર: અમદાવાદની ઐતિહાસિક બાબાસાહેબની પ્રતિમા દાયકાઓથી પ્રતિકાર અને ચેતનાનું મૂર્તિમંત સ્વરુપ બની ગઈ છે. યુવા આંદોલનકારીઓને અહીંથી પ્રાપ્ત થાય છે સતત લડવાનો જુસ્સો. 1989માં ટોડા સાંબરડાની હિજરત ટાણે પ્રતિમાથી નીકળેલી અમારી પ્રતિકાર કૂચ. એમાં સૌથી આગળ છે આંબેકર કોલોનીના મગનભાઈ કોન્ટ્રાક્ટર, એમની બાજુમાં કાલાવડ તાલકાના ટોડા ગામના શહીદ ભીખાભાઈના પિતા રુડાભાઈ સાગઠીયા અને બેનર પકડીને ઉભેલા જાતિ નિર્મૂલન સમિતિના રાજેન્દ્ર જાદવ અને ધનસુખ કંથારીયા)

#રાજુસોલંકી
લખ્યા તારીખ 15 મે, 2021

ટિપ્પણીઓ